નરસિંહ મહેતા
જીવન
નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાંતળાજા ગામમાં ઈ.સ.૧૪૧૪ માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી જુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. ૫ વર્ષની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા. તેમનો ઉછેર તેમની દાદી જયગૌરી દ્વારા થયો હતો.[૨]
તેમના લગ્ન ૧૪૨૯માં માણેકબાઇ સાથે થયા. તેઓ અને તેમની પત્નિ તેમના ભાઇ બંસીધરને ત્યાં જુનાગઢમાં રહેતા હતા.
તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઇ નામની પુત્રી હતી.
સર્જન
નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઇનુ મામેરુ, નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ, હુંડી, ઝારીનાં પદ, સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર વગેરે ૧૫૦૦થી વધારે પદો રચ્યા છે. તેમણે રચેલા સાહિત્યમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે.
સન્માન
ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે, જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.